Sunday 18 February 2018

તમે આવ્યા હતા..


તમે આવ્યા હતા... એક સાંજે પુનમની ભરતીની જેમ...
ગ્રીષ્મના તડકાથી નંખાઈ ગયેલી રેતીને ભીંજવવા આવતી લહેરોની જેમ…
તમે આવ્યા હતા…
ફાગણમાં કેસુડા રંગ બનીને…
કોઈ વૃક્ષ પર પહેલી વખત આવેલા ફુલોની જેમ…
તમે આવ્યા હતા રણમાં ભુલા પડેલા મુસાફરને મળેલી મીઠી વિરડીની જેમ…
હજાર શોરની વચ્ચે મીઠુ સંગીત થઈને…
તમે આવ્યા હતા સુના બાગમાં કોઈ બુલબુલના ટોળાની જેમ…
ને તમારા આવ્યા પછી…ખીલી હતી વસંત ઉપવનમાં….
શરૂ થયો હતો ભમરાઓનો ગુંજારવ….
ને પછી પુનમની કોઈ રાતે પથરાતી ચાંદનીમાં ઓગળ્યા હતા આપણે બન્નેે એકબીજામાં…
દિવસો જતા ખિલ્યા હતા આપણી મહોબ્બતના ફુલો એ જ પુનમની ચાંદની જેમ…
વાગ્યા હતા બાણ જમાનાને કાળજે…
ને પછી…
પછી કાવતરા થયા હતા તારી અને મારી હૈયાતીને એક સાથે ન સાંખી લેવાના…
ને પછી આપણે એ વમળને માત આપી જીવન નાવને બે કિનારાની વચ્ચે સલામત રાખવાના સોગંદ લીધા હતા..
ને ત્યાં અચાનક... તમે જ…સાવ આવી રીતે…
હા.. તમે છેડી હતી વાત….તમારા અને મારા બે નોખા રસ્તાઓની…
એક રસ્તો જ્યાં તમે જવાના હતા…ને એક રસ્તો જે તમે મારા માટે કંડાર્યો…
તમે લઈ લીધુ હતુ વચન દરિયો પાર કરવાનું…તરાપો પકડાવીને…
ને પછી પલટાયા હતા રસ્તા…
તમારા અને મારા…
ચાલી નિકળ્યા હતા તમે…..ને જોઈ રહ્યો હતો હું તરસ્યુ હરણ જેમ મૃગજળને ઝંખે…
ને પછી તમે એ જ મૃગજળ... અને હું એ જ હરણ..જે ચાલ્યા કરે છે તલપ લઈને એ જ લક્ષ્યહીન દિશામાં...

Thursday 23 March 2017

એ ભગતસિંહ તું જિંદા હૈ, હર એક લહુ કે કતરે મે, ઈન્કલાબ કે નારે મે....

ફોટો સૌજન્ય - ગૂગલ
ઈન્કલાબ એટલે કે ક્રાંતિનો પર્યાય અને ભારતદેશના યુવાનોના આદર્શ શહીદે આઝમ ભગતસિંહ કે જેઓએ અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરવા માટે માત્ર 23 વર્ષની ઉમરમાં પોતાના પ્રાણની આહુતી આપી. સામાન્ય દ્રષ્ટિએ આજે ભગતસિંહને આઝાદીની લડાઈના ઉગ્ર આંદોલના પ્રમુખ ચહેરા તરીકે જોવામાં આવે છે. પરંતુ ભગતસિંહની જે ઓળખ છે તેનાથી તે ધણા વધારે છે. 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ સાથે બીજા બે વિરલાઓ સુખદેવ અને રાજગુરૂએ જ્યાંરે ફાંસીને ચુમી તો દેશમાં આઝાદીની લડાઈમાં એક નવો જુવાળ આવ્યો અને હજારો યુવાનોએ શહીદીનો રસ્તો લીધો અને આખરે તેમની કુરબાનીના 16 વર્ષો બાદ આઝાદીનો સુરજ ઉગ્યો.
આજે ભારતમાં ત્રણ-ત્રણ વિરલાઓની શહીદીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, દેશભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે ભગતસિંહથી માંડીને હમણા હમણા શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરીયા સુધીના શહિદોને વર્તમાન સાથે જોડીને વાત કરવી છે. એક તરફ આઝાદીની લડાઈથી લઈને અત્યારસુધી અનેક માતાઓ પોતાના પુત્રને દેશ માટે કુરબાન કરી રહી છે તો બીજી તરફ આ જ દેશની સંસદમાં અને નેતાઓની રેલીઓમાં એ શહીદોના કફનની વોટ માટે નિલામી થઈ રહી છે. મહાત્માં ગાંધીની ખાદી પહેરીને આ નેતાઓ જ્યારે વોટ માટે શહીદોને બજારમાં મુકે છે ત્યારે માનસિક સ્થિતી ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછીના અર્જુન જેવી થઈ જાય છે. બસ હથિયાર ઉપાડો અને અધર્મની સાથે રહેલા દરેકને હણી નાખો. પરંતુ આવી વેદનાઓને કલમથી કાગળ પર ઉતારવા સિવાય કોઈ રસ્તો નથી. એટલે આજે દેશની સ્થિતી જોઈને શહીદોની મનોસ્થિતીને વર્ણવવાનો એક પ્રયત્ન કર્યો છે. કેટલાક શબ્દો સમર્પિત છે માં ભારતીના કપાળનુ તિલક બની ગયેલા ભગત, સુખદેવ, રાજગુરૂ અને તેના જેવા જ અનેક માતાઓના લાલને...જય હિન્દ...

અમારી આ હાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.

ખૂનની હોળી ખેલીને કુરબાન થઈ ગયા અમે,
વાત ઈન્કલાબની આજકાલ ક્યાંક ભુલાતી લાગે છે.

ચાર ગજ જમીન પણ નહોતી અમારા નસીબમા,
આજે અમારા જ નામ પણ સસંદ આખી વેચાતી લાગે છે.

કેવા સપનાઓ જોયા હતા અમે આઝાદ-એ-હિન્દ માટે,
બે ચાર વેપારીઓના હાથે વતનની લાજ લૂંટાતી લાગે છે.

અમારી આ હાદત આજકાલ ક્યાંક વેડફાતી લાગે છે.
તીલક અને ટોપીના ઝધડામાં ક્યાંક અફડાતી લાગે છે.

Thursday 25 August 2016

કહી દો પેલા કાનુડાને..


કહી દો પેલા કાનુડાને કે આવવુ હોય તો ભલે આવે, અમને કંઈ વાંધો નથી.
બસ કહેવુ છે એટલુ જ કે ગોકુળ ક્યાંથી લાવીશ ?

મથુરાની જેલ અને પેલી ઘનઘોર રાતો તો બહુ મળશે તને અવતરવા,
પણ માતા દેવકીનો ખોળો અને પિતા વાસુદેવ ક્યાથી લાવીશ ?

સાંભળ્યુ છે કે છે તને મટકી ફોડીને માખણ ખાવાની આદત,
અમૂલ  અને વિમલના જમાનામાં તું ક્યાથી ફાવિશ ?

કહેવાય છે કે ચપટીભર ચોખાનોય હિસાબ રાખે છે તું,
લેવાને પેલા તાંદુલનો હિલાબ તારો યાર સુદામાં ક્યાથી લાવીશ ?

કદંબના વ્રૂક્ષ તો એક-બે મળશે તને વાંસળી વગાડવા,
પણ એ વાંસળીના સુરઘેલી રાધા ને પેલી ગોપીઓ ક્યાથી લાવીશ ?

સ્વાર્થની આ દુનીયામા મહાભારત કરાવવુ કોઈ મોટુ કામ નહી હોય,
બસ કૂરૂક્ષેત્રના મેદાનમાં ગાંડીવધારી અર્જુન ક્યાથી લાવીશ ?

એટલે જ તો કહે છે આ અણસમજુ દિલ આવવુ હોય તો ભલે આવે,
જ્યા પથ્થરે પથ્થરે ભગવાન થાય છે, ત્યા તારૂ ભગવાનપણુ કેમ સાચવીશ ?

Sunday 24 July 2016

ઉનાનુ ‘ઊના’ થવુ એટલા માટે પણ આવશ્યક હતું...

10 જૂલાઈ 2016.. આ દિવસ દલિતોના અવાજ માટે નિમિત્ત દિવસ બની જાય તો નવાઈ નહિ અને બનવો જ જોઈએ. એક બાજુ દેશમાં ગુજરાત મોડલના ઢોલ વગાડીને મેરા દેશ બદલ રહા હે જેવા નારાઓ લગાવાઈ રહ્યા છે. ( જોકે એ વાત અલગ છે કે ઢોલ પણ દલિતો જ પાસે જ વગડાવાય છે અને એ પણ ચામડાથી બનેલો) ત્યારે હવે ઊનુ થયેલુ ઉના તાલુકાનુ સમઢીયાળા ગામ ગુજરાતનો જ એક ભાગ છે કે પછી બીજુ જ કોઈ રાજ્ય છે એ વિચારવાનો સમય આવી ગયો છે. દુનિયાભરમાં આગવી ઓળખ બનાવાનારા ગુજરાતીઓની આ પણ એક ઓળખ છે એ સ્વીકારવાનો સમય આવી ગયો છે. જાતપાતના રાજકારણનુ ઘર ગણાતા યુપી-બિહારને પણ શરમાવે એવી આ ઘટનાએ દેશ અને દુનિયાભરના લોકોના ચશ્મા પર આયોજન બદ્ધ રીતે લગાવવામાં આવેલી વિકાસની ઘુળને ખંખેરી નાંખી છે. ત્યારે હવે સવાલ એ થાય કે આ ઘટના શું ફ્કત ઘટના જ છે કે પછી ખરેખર ગુજરાતમાં પડદા પાછળની વાસ્તવિકતા છે..?  જો આ સવાલનો જવાબ વ્યક્તિગત રીતે પોતાની આંખો પર ભરોષો કરીને આપુ અને  સામે સાંભળનારો માણસ હોય તો રૂવાડા ઉભા થઈ જાય.
ફોટો સૌજન્ય- ગૂગલ ઈમેજ
            ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની પૃષ્ટભુમી પર આ સવાલનો જવાબ શોધીએ તો ખરેખર વિચારતા કરી મુકે તેવો જવાબ મળે છે. મહાત્માં ગાંધી, વિનોબા ભાવે અને બાબા સાહેબ દ્વારા જલાવવામાં આવેલી સામાજિક ક્રાંતિની જ્યોતનું અજવાળુ ત્યાં સુધી ક્યારે પહોચશે તે મોટો સવાલ આપણી સામે આવીને ઉભો રહી જાય છે. કુવા પર પાણી ન ભરવા દેવુ, મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ, મેલુ ઉપાડવાની પ્રથા જો કે હવે નથી રહી પરંતુ તેના જેવા જ સફાઈના કામ વગેરે જો તમે પુસ્તકોમાં વાંચ્યા હોય અને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા હોય તો ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગાંમડાઓનો પ્રવાસ કરી લેવો જોઈએ. પોતાને વિકસીત ગણાવતા આ દંભી સમાજમાં આજે પણ દલિત વિસ્તારમાં જઈને આવ્યા બાદ છાંટ લેવાતા અને સળગતો કોલસો હાથમાં લઈ આભડછેડ દુર કરતા દ્રશ્યો જોવા મળે છે. ઘણા બઘા ગામડાઓની શાળાઓમાં દલિત સમાજના બાળકો કોઈ ખુણામાં બેઠેલા જોવા મળે તો નવાઈ નહિ. કેટલાક ગામોમાં તો સરકારી શાળાઓમાં સવર્ણો બાળકોને ફ્ક્ત એટલા માટે નથી ભણાવતા કેમ કે ત્યા ગામના દલિત બાળકો સાથે બેસીને ભણવુ પડે. જ્યા સાથે ભણે છે ત્યા શિક્ષકોની માનસિકતા દલિત બાળકોને દલિત જ રાખે છે. જો કે બીજી તરફ કેટલીક શાળાઓ સમાજમાં દ્રષ્ટાંતરૂપ થઈ શકે તેવુ પણ કામ કરી રહી છે. લગ્નથી માંડીને બધા જ સારા પ્રસંગોમાં ઢોલ વગાડીને પરીવારના પ્રસંગને દિપાવતા દલિતો સાથેનુ વર્તન પણ વિચારતા કરી મુકે એવુ છે. જે પ્રસંગને દિપાવવા માટે તેઓ ખડે પગે રહે છે ત્યા તેઓને ઘરના વાસણમાં પાણી પણ પિવડાવવામાં નથી આવતુ આ પણ એક કડવી વાસ્તવિકતા છે. હોળી જેવા પ્રસંગોમાં પાપથી બચવા માટે દલિતોના હાથે હોળી તો સળગાવાય છે પરંતુ તેઓને ઉજવણીમાં ભાગીદાર નથી બનાવવામાં આવતા. અરે હદ તો ત્યારે થાય છે જ્યારે દલિત સમાજમાં વિધિ-વિધાન કરતા બ્રાહ્ણણોને દલિત જેવા જ ગણવામાં આવે છે.  ઘણા બધા ગામોમાં અનામતનાં આધારે દલિત સમાજના પ્રતિનિધી સરપંચ તો બને છે પરંતુ વહિવટ બીજા જ કોઈ કરે છે. તો કેટલાક કિસ્સાઓમાં ખોટી રીતે ફસાવી સત્તા પરથી હટાવવાના કારસા રચાય છે. આ વાસ્તવિકતા છે ત્યારે ઉનાની ઊના થવાની ઘટના મહત્વની બની જાય છે.
દાદરીમાં અખલાકની હત્યાની ઘટના અને ઉનામાં બનેલી મારપીટની ઘટનાને જો તમે ક્યારેક જ બનતી ઘટના તરીકે જોતા હો તો તમે બહુ મોટા વહેમમાં જીવો છો. એક બાજુ સત્તામાં હિન્દુવાદી તાકતો અને બીજી તરફ પોલીસ અને સમાજની નિષ્ક્રિયતા રોજ કેટલા દલિતો અને મુસ્લિમોના આત્મસન્માન સાથે ખિલવાડ કરે છે તે એક વિચારવા જેવો મામલો છે. સત્તાના સમર્થનથી ચાલતી હિન્દુત્વની હાટડીઓ મનફાવે ત્યારે હથિયારો લઈને ગૌરક્ષા કરવા નિકળી પડે છે. જેમાં કેટલાય અખલાક હોમાય છે પરંતુ બધી ઘટનાઓ દાદરી નથી બની શકતી. જો કોઈ ઘટના માથુ ઉચકે તો રાજકીય રોટલો શેકવાની લ્હાયમાં પીપલી લાઈવ બનીને રહી જાય છે અને આખરે વાત ઘાણીના બળદની જેમ ત્યાંની ત્યાંજ આવીને રહી જાય છે. ત્યારે હવે ઉનાનુ ઊના થવુ એટલા માટે મહત્વનુ બની જાય છે કે જે ગુજરાતને સીડી બનાવીને દિલ્હીની ગાદી સુધી રસ્તો કરાયો છે તે આયોજન બદ્ધ રીતે ચશ્મા પર લગાવવામાં આવેલી ઘુળ હતી એ સાબિત થવુ પણ જરૂરી હતું. કાયદાને મજાક સમજતા રૂઢીવાદી સમાજ માટે પણ આ તમાચો પડવો આવશ્યક હતો. સૌથી મોટી જરૂરીયાત તો એ હતી કે છાછવારે બનતી અને દબાઈ જતી આવી આવી ઘટનાઓ છાપે ચડવાથી પિડિતોમાં પ્રતિકાર કરવાની હિમ્મત આવે. ત્યારે હવે આ હિમ્મત આવી છે તો તેઓ તે હિમ્મતને પકડી રાખી આંબેડકરના રસ્તે આગળ વધી જાય. થોડા દિવસ મુશ્કેલી પડશે પરંતુ તેઓ કહેવાતા સભ્ય સમાજને એ ગંદકીથી, એ વાસ્તવિકતાથી પરીચીત થવા દે અને ન બોલવા જેવી વાત એ કે તેઓને પરિચય થવા દે કે અનામતમાં મળતા બે-ચાર ટકાની શું કિમંત છે. ?

Saturday 16 April 2016

દરેક હસતા ચહેરાની ભીત્તર એક દર્દ હોય છે..


ફોટો સૌજન્ય - ગૂગલ ઈમેજ

           એક એવો વ્યક્તિ કે જે ક્યારેય કંઈ બોલે નહિં અને દુનિયાભરના લોકોને હસાવી જાય. પોતાના જીવનની દરેક ક્ષણ લોકોને હસાવવામાં ખર્ચી નાખનાર દુનિયાના સૌથી મોટા જોકર એવા ચાર્લી ચેપ્લિનને તેનના જન્મદિવસ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.. દુનિયાભરમાં પોતાના હાસ્યથી લોકોના દિલ જીતી લેનારા ચાર્લી ચેપ્લિન હંમેશા મારા માટે એક મોટી પ્રેરણા રહ્યા છે. તો આજના દિવસે થોડા શબ્દોમાં એમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે.
દરેક હસતા ચહેરાની ભીત્તર એક દર્દ હોય છે.
માન્યું કે અવાજ નથી હોતો પણ આઘાત હોય છે.

રોશનીની સાથે રોશન રહેવાની તેઓને ટેવ હોય છે.
આવા ચહેરાના અંધારા ઉદાસ હોય છે.

ભીત્તરમાં દાવાનળ છુપાવી તેઓ જીવી જાય છે,
આંખ ભીતરના દર્દથી દુનિયાને ક્યાં કોઈ મતલબ હોય છે ?

સહેજ ભીંજાતી આંખ આજકાલ ક્યાં કોઈને દેખાય છે ?
દુનિયાને તો હોઠ પરના સ્મિતથી જ મતલબ હોય છે.

સતત સ્નેહ નીતરતી આંખોને માવઠાની મૌસમ નથી હોતી.
તેઓને તો અષાઢની હેલી જ વરસવાની મૌસમ હોય છે.

Friday 5 February 2016

આજ સપનામાં તારી સાથે...


આજ સપનામાં તારી સાથે વાત મંડાણીતી,
તારા શબ્દોની સાથે રાત પણ ખેચાણીતી.

તારા ચહેરાના નુરની સામે ફિક્કો પડતો તો ચાંદ પણ,
હોંઠોથી ખરતા હાસ્યથી ચાંદની પણ તણાતીતી.

ઊગવાને ઉભેલો સૂર્યય થાક્યો તો તારી રાહમાં,
તારલાઓની મહેફીલેય હવે તો ઊઘવાને મંડાણીતી.

ફૂલને ન ઉગવા દેવાતો આરોપ છે તારા પર,
તેની તો ઉબરે આવેલી જવાની રોકાણીતી.